ok

Google
 

पृष्ठ

G

Orkut Facebook Glitter

ઓગસ્ટ, ૧૯૪૭ને દિવસે હિન્દુસ્તાન સ્વતંત્ર બન્યું. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ને દિવસે ગાંધીજીની હત્યા થઈ. આ ૧૬૮ દિવસો દરમિયાન ગાંધીજી ઘણો સમય દિલ્હી રહ્યા હતા. રોજ સાંજે પ્રાર્થનાસભાઓ ભરતા હતા. એ પ્રવચનો ‘દિલ્હી ડાયરી’ શીર્ષક નીચે ગ્રંથસ્થ થયાં હતાં. હિંદુ-મુસ્લિમ વિગ્રહના એ દિવસોના ગાંધીજીના વિચારો આજે કેટલા સંબદ્ધ અને સંયત લાગે છે? ગાંધીજીનાં પ્રવચનનોમાંથી થોડા અંશો : (ભાષા શક્ય છે ત્યાં સુધી ગાંધીજીની હિન્દુસ્તાની શબ્દપ્રયોગવાળી જ રાખી છે).
જો એ લોકો (મુસલમાન) હિન્દુસ્તાની સંઘમાં પૂરી હિફાઝતથી ન રહી શકે તો હું જીવવું પસંદ નહીં કરું (૧૩/૯/૧૯૪૭).
સંઘમાં સાડાચાર કરોડ મુસલમાન છે. જો એ બધા જ આટલા બૂરા છે તો એ લોકો જ ઇસ્લામની કબર ખોદશે (૧૩/૯/૧૯૪૭).
મને આશા છે કે જો કોઈ મારી જાન લેવાની ઈચ્છા કરશે તો હું ખુશીથી એના હાથે મરીશ. ત્યારે હું ખુદ એ જ કરીશ જે બધાને કરવાની સલાહ આપું છું. (૨૩/૯/૧૯૪૭)
જે મુસલમાનો પાકિસ્તાન તરફ વફાદાર છે એમણે હિન્દી સંઘમાં નહીં રહેવું જોઈએ. (૨૬/૯/૧૯૪૭).
જો પાકિસ્તાન બરબાદ થયું તો એ પાકિસ્તાનના મુસલમાનો દ્વારા જ બરબાદ થશે, હિન્દુસ્તાનના હિન્દુ દ્વારા નહીં બરબાદ થાય (૨૬/૯/૧૯૪૭).
પણ મારા દિલમાં દુઃખ અને સંતાપ સિવાય કંઈ નથી. એક જમાનો હતો જ્યારે જનતા મારી દરેક વાત માનતી હતી. પણ આજે કોઈ મારી વાત સાંભળતું નથી. (૨/૧૦/૧૯૪૭)
મેં હિન્દુસ્તાનની આઝાદી માટે કડી મહેનત કરી છે અને ભગવાનને પ્રાર્થના કરી છે કે મને ૧૨૫ વર્ષ જીવતો રહેવા દે કે જેથી હું હિન્દુસ્તાનમાં રામરાજ્ય કાયમ થતું જોઈ શકું, પણ આજે તો એવી કોઈ આશા દેખાતી નથી. (૪/૧૦/૧૯૪૭)
શું તમે ગુલામ હતા ત્યારે જ હું તમારા કામનો હતો અને આઝાદ હિન્દુસ્તાનમાં મારો કોઈ જ ઉપયોગ નથી રહ્યો? (૪/૧૦/૧૯૪૭)
હું ચોક્કસ માનું છું કે જો હિન્દુ અને મુસલમાન એકબીજાના દુશ્મન રહ્યા તો એના પરિણામસ્વરૂપ લડાઈ જરૂર થવાની. (૫/૧૦/૧૯૪૭)
કોઈ પણ મંત્રી પોતાના પ્યારામાં પ્યારા માણસ માટે ન્યાયના માર્ગમાં દખલ નથી કરી શકતો. (૨૧/૧૦/૧૯૪૭)
જે વાતને હું સારી સમજું છું એ લગાતાર કહેતો રહીશ, કોઈ એને પસંદ કરે કે નાપસંદ. (૨૪/૧૦/૧૯૪૭)
જો હિન્દુ ધર્મને જીવતા રહેવું છે તો દરેક હિન્દુએ દિલમાંથી છૂતાછૂતને સંપૂર્ણપણે કાઢી નાખવી પડશે. (૨૬/૧૦/૧૯૪૭)
મેં પૂરું કુરાન વાંચ્યું છે... દુનિયાના અલગ અલગ ધર્મગ્રંથો વાંચવાથી હું વધારે સારો હિન્દુ બન્યો છું. કુરાનના વિધાન પ્રમાણે હિન્દુકાફિર નથી. કુરાનમાં કાફિરનો અર્થ છે ધર્મમાં વિશ્વાસ ન રાખનારો. (૨/૧૧/૧૯૪૭)
જો લોકોને કાનૂન કાયદાઓની રસ્સી બાંધીને ઈમાનદારી શીખવી પડશે તો લોકશાહી તૂટી પડવાની. (૩/૧૧/૧૯૪૭)
જ્યાં સુધી હું મારી વાત જાણું છું, મેં જનસેવક તરીકેની મારી આટલી લાંબી જિંદગીમાં આપેલું વચન તોડવાનો અપરાધ ક્યારેય કર્યો નથી. (૪/૧૧/૧૯૪૭)
ર્ધાિમક વિશ્વાસથી અન્ન અને શાકભાજી ખાવાવાળાઓની સંખ્યા હિન્દુસ્તાનમાં બહુ જ ઓછી બતાવવામાં આવે છે. હિન્દુસ્તાનમાં હિન્દુઓની બહુ મોટી સંખ્યા એવી છે જે મોકો મળવા પર માછલી, પક્ષીઓ કે જાનવરોનું ગોશ્ત ખાવામાં સંકોચ નથી અનુભવતી. (૫/૧૧/૧૯૪૭).
જ્યાં સુધી હું સમજી શકું છું, જૂનાગઢની જનતાની તરફથી ત્યાંની આરઝી હકૂમતે જે આંદોલન કર્યું છે એમાં મને કોઈ ગેરકાનૂની ચીજ દેખાતી નથી. (૧૧/૧૧/૧૯૪૭)
હું ખુદ છાપાંઓની ખબરોને સોળ આના સાચી નથી માનતો અને છાપાં વાંચવાવાળાઓને ચેતવણી આપું છું કે એમાં છપાયેલી વાતોની એમના પર સહેલાઈથી અસર ન પડવા દે. (૨૨/૧૧/૧૯૪૭)
દરેક વાત પર કમિશન નથી બેસાડી શકાતું. કાઠિયાવાડને માટે તો હું ખુદ જ કમિશન જેવો છું. (૩૦/૧૧/૧૯૪૭)
એક હિન્દુસ્તાની તરીકે કોઈ જ્યારે મારા વિશે વિચારે છે કે હું મારી ભાષા કરતાં અંગ્રેજી વધારે જાણું છું ત્યારે મને શરમ આવે છે. (૪/૧૨/૧૯૪૭)
કોંગ્રેસમાંથી હું નીકળી જઉં, સરદાર પણ નીકળી જાય. જવાહરલાલ પણ નીકળી જાય, જે લોકો આજે એમાં કામ કરે છે એ બધા મરી જશે તો પણ કોંગ્રેસ થોડી મરવાવાળી છે? (૧૨/૧૨/૧૯૪૭)
મેં તો આખી જિંદગી ખુલ્લી આંખોથી વિશ્વાસ કર્યો છે. (૧૫/૧૨/૧૯૪૭)
આજે તો દીવાસળીનું ખોખું એક આનાનું (છ પૈસા) એક મળે છે. પહેલાં એક આનામાં બાર ખોખાં મળતાં હતાં. (૧૬/૧૨/૧૯૪૭)
હિન્દુસ્તાની જાણવાવાળો જો મને અંગ્રેજીમાં લખે તો હું એ પત્રને ફેંકી દઈશ. (૧૮/૧૨/૧૯૪૭)
હું તો બેચાર દિવસનો મહેમાન છું. પછી તમે લોકો મારી વાતોને યાદ કરશો. (૧૮/૧૨/૧૯૪૭)
હું તો કરોડોનો અવાજ ઉઠાવું છું, પણ મારું ચાલતું નથી, પણ તમે જો મારી વાત સાંભળતા નથી તે બહુ મોટી ભૂલ કરો છો. તમે જરા વિચાર તો કરો કે ગાંધીએ આટલી વાતો સાચી કહી તો શું આજ આમ ભૂલ કરી રહ્યો છે? નહીં ગાંધી ભૂલ નથી કરતો. (૨૮/૧૨/૧૯૪૭)
જે લોકો તારો ઉપર (ટેલિગ્રામ મોકલવા પર) જે રીતે રૂપિયા બગાડે છે એમને મારી સલાહ છે કે એ એવું ન કરે. (૨૯/૧૨/૧૯૪૭)
ધર્મના નામ પર પાકિસ્તાન કાયમ થયું. એટલે એણે બધી જ રીતે પાક અને સાફ રહેવું જોઈએ. (૪/૧/૧૯૪૮)
અગર મનમાં દુશ્મની બની રહી તો એ લડાઈથી પણ બદતર થશે. એનાથી તો વધારે સારું એ થશેે કે ઈશ્વર બંનેને જી ભરીને લડાવી દે. શાયદ એમાંથી જો આપણે સ્વચ્છ થવાનું હશે તો થઈશું. (૪/૧/૧૯૪૮)
આજે મારી દીન હાલત છે. આજે મારું કોણ સાંભળે છે? એક જમાનો હતો, હું જે કહું એ લોકો કરતા હતા... (૭/૧/૧૯૪૮)
એક ઈન્સાન જે કરી શકે છે એ હું કરી રહ્યો છું. (૮/૧/૧૯૪૮)
મરવું તો બધાંને જ છે, આજે કે કાલે. એટલે મોતથી ડરવું શું? (૯/૧/૧૯૪૮)
હું કહું છું માટે મારી કોઈ વાત ન માનશો. તમારી આંખોથી જોજો અને કરજો. મારા કહેવાથી નહીં. (૧૦/૧/૧૯૪૮)
ઈસ્લામનો તો હિન્દુસ્તાન અને પાકિસ્તાનમાં જ નાશ થશે બાકી દુનિયામાં નહીં - પણ હિન્દુ ધર્મ અને શીખ ધર્મ તો હિન્દુસ્તાનની બહાર છે જ નહીં. (૧૨/૧/૧૯૪૮).
પાકિસ્તાનમાં આવું થતું જ રહ્યું તો યુનિયન (હિન્દુસ્તાન) ક્યાં સુધી એને બર્દાશ્ત કરશે? મારા જેવો એક માણસ ઉપવાસ કરે કે એકસો મહાત્મા ઉપવાસ કરે તોપણ યુનિયવાળાઓના દિલમાં ગુસ્સો પેદા થઈ જ જશે... મને ડર છે આજે તો મારે જોરથી એ કહેવું જ પડશે કે પાકિસ્તાન ‘પાપ’ છે. હું એ પાકિસ્તાનનો દુશ્મન છું. (૧૪/૧/૧૯૪૮)
હું ઉમ્મીદ કરું છું કે મૃત્યુશય્યા પર પડેલાં મારાં આ વચનો કોઈને વાગશે નહીં. (૧૭/૧/૧૯૪૮)
જે પથ્થરની પૂજા કરે છે એ એમાં પથ્થર નહીં ખુદા જુએ છે. પથ્થરમાં જો ઈશ્વરને ન માનો તો કુરાન-શરીફ ખુદાઈ કિતાબ છે, એ પણ શા માટે માનવી જોઈએ? (૧૮/૧/૧૯૪૮)
હું દાવો કરું છું કે મારો પ્રેમ સાચો છે. (૧૯/૧/૧૯૪૮)
શાયદ હું પાકિસ્તાન જાઉં એ ત્યારે જ બનશે. જ્યારે પાકિસ્તાની સરકાર મને બોલાવે અને કહે કે, તું ભલો માણસ છે. (૨૦/૧/૧૯૪૮)
મારી સામે બોમ્બ ફાટે અને હું ન ડરું તો તમે જોશો અને કહેશો કે એ બોમ્બથી મરી ગયો તોપણ હસતો જ રહ્યો. (૨૧/૧/૧૯૪૮)
હુમલો થાય, કોઈ પોલીસ પણ મદદ માટે ન આવે, ગોળીઓ ચાલે તોપણ હું સ્થિર રહું, રામનામ લઉં અને તમારી પાસે લેવડાવતો રહું એવી શક્તિ ઈશ્વર મને આપે તો હું ધન્યવાદને લાયક છું. (૨૧/૧/૧૯૪૮)
હું તો મહાત્મા રહ્યો, કમજોર શરીર!... કોઈના કહેવાથી ભૂંસાઈ જવાનો નથી. ઈશ્વરેચ્છાથી હું જે છું એ બન્યો છું. (૨૯/૧/૧૯૪૮)
હું અશાંતિમાંથી શાંતિ ચાહું છું. નહીં તો એ અશાંતિમાં જ મરી જવા માંગું છું. (૨૯/૧/૧૯૪૮)
અને આ પછી ‘દિલ્હી ડાયરી’ પુસ્તકમાં ગાંધીજીની પ્રાર્થનાસભાનું અંતિમ વાક્ય આવે છે. આ વાક્ય ૨૯/૧/૧૯૪૮ને દિવસે છેલ્લું બોલાયેલું છે :
ઈમાનદારીથી કામ કરવામાં જ આપણી મુક્તિ અને આપણી બધી જ આવશ્યક જરૂરિયાતોની ર્પૂિત ભરેલી છે. ‘દિલ્લી ડાયરી’ અહીં સમાપ્ત થાય છે.
૩૦/૧/૧૯૪૮ની સાંજે ગાંધીજી પ્રાર્થનાસભામાં જઈ રહ્યા હતા. એ સાંજે ગોડસેની ત્રણ ગોળીઓ છૂટી હતી અને ગાંધીજીએ અંતિમ શબ્દો કહ્યા હતા : “હે રામ”.
આ પ્રવચનસંગ્રહમાં ગાંધીજીનાં અંતિમ પ્રવચનો છે. એની રેડિયો ટેપો બનાવવામાં આવી હતી, પણ ઓલ-ઈન્ડિયા રેડિયોને સાચવી રાખતાં ન આવડી એટલે બધી ટેપો બગડી ગઈ છે. આ અમૂલ્ય વિરાસત ભૂંસાઈ ગઈ છે. આ પુસ્તક પણ હવે લગભગ અપ્રાપ્ય છે. એ જમાનામાં ૧૯૪૯-૧૯૫૦માં ૪૧૧ પાનાંનું આ પુસ્તક ત્રણ રૂપિયામાં મળતું હતું.
ગાંધીને સમજ્યા વિના, ૧૯૪૭-૧૯૪૮ના એ દિવસોની જ્વાલાઓની આંચ અનુભવ્યા વિના ઇતિહાસને સમજવો મુશ્કેલ છે, ગાંધીજી ઉપવાસ પર ઊતર્યા હતા. ગાંધીજી પર બોમ્બ ફેંકાયો હતો અને ૨૯મીએ ગાંધીજીએ અશાંતિમાં મરી જવાની ઇચ્છા પ્રગટ કરી હતી!
ક્લોઝ અપ :
“મારું મૌન મારે લીધે વરદાન બની ગયું છે.”
- ગાંધીજી : ૧૫/૯/૧૯૪૭

ad